તને ક્યાં છે ખબર! #NLSH

તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર,
તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર!

તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું,
પ્રેમ થઈ દિલમાં ઘુંટાયો છું,તને ક્યાં છે ખબર!

રાતભર સપનાંમાં મહાલી છો હવે જાગ જરા,
થઈ કિરણ રુબરુ આવ્યો છું,તને ક્યાં છે ખબર!

મેં જ લૂછ્યાં છે બધાં આંસુ તારી આંખોનાં,
સ્મિત થઈ હોઠે છવાયો છું,તને ક્યાં છે ખબર!

સ્પર્શ થયો શા નો,વદન શા ને શરમાઈ ગયું,
ફૂલ થઈ પગલે દબાયો છું,તને ક્યાં છે ખબર!

રુપ છે તું,તો હું યૌવન છું,દુઆ કર તું મને,
હું તો તારા થી સવાયો છું,તને ક્યાં છે ખબર!

તીરછી આંખે તું દર્પણમાં જરા જો તો ખરી,
થઈ ‘રાજ’ઝુલ્ફે ગુંથાયો છું,તને ક્યાં છે ખબર!

               ❤️ #NLSH

No comments:

Post a Comment